મંગળવાર, 24 જાન્યુઆરી, 2017

એક ક્ષણ

આજે ગણી વાર આપણે વિચારીએ છીએ કે નાના હતા ત્યારે કેવી મજા આવતી, શાળાના દિવસો યાદ આવતા, રજા પડે ત્યારે મામાના ઘરે વિતાવેલો સમય યાદ આવતો, રમત, મજા, ખાવા પીવાનું, ફરવાનું બધું જ યાદ આવતું. ફરી પાછા ક્યારે એ દિવસો આવશે એવી જ આશા આપણે કરીએ છે. થોડા પાછળ જઈને યાદ કરીએ તો યાદ આવશે કે એ સમયે આપણે શું વિચારતા હતા. ત્યારે આપણે મોટા ક્યારે થઈશું, પરીક્ષા અને ભણવાનું ભાગ્યે જ કોઈને ગમતું, ત્યારે એમ થતું કે મોટા થઈશું એટલે કોઈ ભણવાનું કે પરીક્ષા નહિ આવે કેવી મજા? કોને ખબર હતી કે જીવનની ગણી પરીક્ષાઓ મોટા થઈને આપવી પડશે.

મોટા થઈને આપણે આમ કરશું, મોટા થઈને તેમ કરશું, એ જ વિચારો મનમાં ચાલતા. અને હવે, મોટા થઇ ગયા તો નાના હતા ત્યારે કેવી મજા આવતી એના વિચારો કરીએ. આના પરથી તો બસ એટલું જ સમજમાં  આવે છે કે જે ક્ષણ હમણાં હાથમાં છે, એમાં જીવીએ કેમકે જે ક્ષણ જાય છે એ ફરી આવતી નથી, હમણા જો આપણને બાળપણ જીવવા મળે તો પણ આપણે એ આનંદ ક્યારે પાછો નહિ મેળવી શકીએ, એ માસુમીયત ક્યાંથી લાવશું, એ ભોળપણ જે મોટા થવાની રમતમાં છીનવાઈ ગયું એ ક્યાંથી લાવશું? એ વિચારતા બહુ જ અચરજ થાય છે કે આ ક્ષણ કેટલી મહત્વની છે.

આ અત્યારની ક્ષણમાં જે છે એ ફરી એમનું એમ ક્યારે નહિ આવે, આજે જો છોકરાઓ મોટા કરતા હશું તો આવી ક્ષણ ફરી નહિ આવે, આજે તમારી પાસે દૂધ માંગે છે, કાલે એમની જાતે લઇ લેશે, આજે આપની ઉપર નિર્ભર છે, કાલે આપણે એમના પર નિર્ભર થઇ જઈશું, કાલે એ મોટા થઈ જશે અને આપણે કહેશું કે છોકરાઓ નાના હતા ત્યારે કેવી મજા આવતી હતી. જીવનની આજ રમત સમજવાની છે, શું ગઈકાલમાં જીવીને બાજી હારવાની છે કે આજ માં જીવીને આજની ક્ષણને જીતવાની છે. આજે મેં વિચાર્યું કે મારી દરેક ક્ષણ હું જીવીશ, મારા બધાજ સપના હું આજે પુરા કરીશ, કાલ પર નહિ રાખું, ક્યાંક એવું ના બને કે મોટી ઉમરમાં હું આ ઉમર ના સપના જોતી થઇ જાઉં અને અફસોસ કરું કે મેં કઈ કર્યું નહિ. અને મોટી ઉમર સુધી પહોચું એની ખાતરી પણ ક્યાં છે?

આજ ની ક્ષણના જે અનુભવો છે એ આજે જ માણી લઉં, કાલે એ જ અનુભવ તો નહિ જ મળે.

સમય ભાગી રહ્યો છે એનો અહેસાસ તો આપણને બધાને થાય છે, ગઈ કાલે જ તો ૨૦૧૬ નો છેલ્લો દિવસ ઉજવ્યો હતો અને આજે ૨૦૧૭ નો એક મહિનો પણ પતિ ગયો, ગઈ કાલે જ તો લગ્ન કરીને આવી હતી, એ વાત ને આજે ૧૦ વર્ષ વીતી ગયા, ગઈ કાલે જ તો ભણતર પૂરું કર્યું હતું એ વાત ને ૧૫ વર્ષ થઇ ગયા, ગઈ કાલે જ તો શાળામાં બહેનપણીઓ સાથે હસી મજાક કરતી હતી એ વાત ને ૨૦ વર્ષ થઈ ગયા. ગઈ કાલે તો નાના હતા અને આજે મોટા થઇ ગયા એ વાત ને ૩૩ વર્ષ વીતી ગયા. સમય ચાલે છે બહુ જ જલ્દી ચાલે છે એવું લાગે છે કારણ કદાચ આપણે એક એક ક્ષણ ને ઓળખતા નથી, એક એક ક્ષણ જો આનંદ, ઉલ્લાસથી વિતાવીયે તો કદાચ સમય ધીમો થાય, દિવસ લાંબો થાય અને મહિના ઓછા જલ્દી જાય.

આ ભાગતી જિંદગીને પકડવી પડશે, આજમાં જીવવું પડશે, આજને આનંદ બનાવો પડશે. દરેક ક્ષણ જુદી હશે. પછી આજની ક્ષણમાં અફસોસ નહિ હોય અને ગઈકાલની ક્ષણ પાછી આવે એવી ઈચ્છા નહિ હોય.

સોમવાર, 24 ઑક્ટોબર, 2016

કેટલો સમય છે તમારી પાસે?


બધા પાસે દિવસના ૨૪ કલાક છે પણ કેટલાક માણસો એ ૨૪ કલાકને સાર્થક કરી જાણે છે જયારે ગણા એને વેડફી નાખે છે. આમ જોવા જઈએ તો પુરેપરા ૨૪ કલાક છે જ નહિ, ૮ કલાક સુવામાં, ૨ કલાક નાહવા ધોવામાં, ૨ કલાક ચા પાણી નાસ્તામાં, ૮ કલાક ધંધા કા તો નોકરીમાં, ૨ કલાક આવવા જવામાં, લે બસ પૂરો થાય ગયો દિવસ તો વખત છે ક્યાં? ૨૨ કલાક તો નીકળી ગયા એ પણ તમે ઉપર કીધું એ પ્રમાણે જીવતા હો તો. બાકીના ૨ કલાક બચ્યા, પણ હજી પણ મેં યોગા, વ્યાયામ વગેરે ગણ્યું નથી, સૌથી મોટો સમય જેમાં જાય છે એવા ફોનની તો મેં વાત પણ કરી નથી. તો મને એમ થાય છે કે લોકોને પારકી પંચાત કરવાનો વખત કેવી રીતે મળતો હશે?

થોડા દિવસ પહેલા એક ગૃહિણીને મળી, ૪૨ વર્ષની ઉમર હશે એમની. એ મને કહેતા હતા કે અખો દિવસ હું એકલી હોઉં છું, છોકરાઓ શાળામાં, પતિ કામ પર, બસ સમય જ સમય છે મારી પાસે, અને બહુ જ કંટાળો આવે છે. મારી આંખો તો પહોળી રહી ગઈ, મેં તો ઉત્સાહમાં આવી ને પુછ્યું, કે સરસ તમને તો તમને જે ગમે એ કરવાનો પુરેપુરો સમય છે, તો તમે એના માટે કેમ કઈ નથી કરતા? અમે નોકરીવાળા એટલે સમય જ ન મળે, પણ તમને તો જેમ ગમે તે કરવાનો અવસર મળ્યો છે. તો અને ફાયદો ઉઠાવો.

પણ એમના જવાબથી હું નિરાશ થઇ ગઈ, એમને કહ્યું કે મારો કોઈ શોખ જ નથી, મને કાઈ કરવું ગમતું નથી. ગણા લોકોના જીવનમાં સમય છે પણ ઉત્સાહ નથી અને કોઈના જીવનમાં એટલું બધું કરવાનો ઉત્સાહ છે કે સમય ઓછો પડે છે. ભગવાનની મહેરબાની છે કે હું બીજા પ્રકારના લોકોમાંથી છું, સમય ઓછો પડે પણ કઈ નવું કરવાનો ઉત્સાહ ક્યારે ઓછો ના પડે. પણ મને આ લોકો પર દયા બહુ આવે, જીવનમાં ના નવું કરવાનો કે શીખવાનો ઉત્સાહ નહિ, જીવન કેવી રીતે ચાલતું હશે? બસ કોઈને ને કોઈને આધીન રહીને અને જયારે એ આધાર તૂટી જાય ત્યારે એ વ્યક્તિ પણ તૂટી જાય.

જીવનમાં ગમે તે મળે કે ના મળે બસ આગળ વધવાની ધગસ, વિશ્વાસ ક્યારે ખુટવો ના જોઈએ, કેટલું છે જીવનમાં કરવા માટે. હવે તો સાવ સરળ પણ બની ગયું છે, કઈ પણ કરવું હોઈ એ આંગળીના પેઢા પર થી મળી આવે છે.

આ જીવન જરૂર જન્મ, બાળપણ, શાળા, કોલેજ, લગ્ન, છોકરાઓ, છોકરાઓ ના છોકરાઓ, બીમારી અને મરણ આ બધા કરતા કઈ જુદું છે. જીવન તો એ છે કે જે આ બધા તાબક્કાઓમાં થી પસાર થાય છે. જીવન પાછળ જોવા કરતા આગળ જોઇને ચાલવાની રીત છે. જીવન બધી નિષ્ફળતામાં થી પસાર થઇ સફળતાની ચોટ પર પહોચાડવાનો રસ્તો છે. આજકાલની હાથમાંથી સરકી જતી દુનિયામાં બહુ ઓછા લોકો જીવનને જીવી જાય છે, બાકીના મરતા મરતા જીવે છે. શું મરી મરી ને જીવવું એ સાર્થક છે? તો આપણા અને પ્રાણીઓમાં ફરક શું?
 
સમય તો ઓછો છે પણ કરવાનું ગણું છે, જીવન સાર્થક તો આપણે જ બનાવવાનું છે. દિવસ નો કેટલો સમય વ્યર્થ જાય છે અને કેટલો સાર્થક એ જાણવું જરૂરી છે. જે વ્યર્થ છે અને સાર્થક બનાવી દઈએ તો આપણું જીવન પણ સાર્થક બની જાય.


મંગળવાર, 24 મે, 2016

ફરિયાદી વલણ

જીવનમાં જે જોઈએ એ મળી પણ જાય પણ જો જીવન પ્રત્યે ફરિયાદી વલણ હોય તો જે મળે એમાં પણ વ્યક્તિ ખુશ રહી શકતો નથી.

મગાભાઇ બાળપણમાં ખુબ સાદાઈથી રહ્યા હતા, ખાવા પીવાના પૈસા રહેતા પણ કોઈ શોખ પુરા કરી શકતા નહોતા, એટલે એમણે નક્કી કર્યું કે મોટા થઇને એ ખુબ પૈસા કમાશે અને પોતાના શોખ પુરા કરશે. અત્યારની પરિસ્થિતિથી તેઓ નારાજ રહેતા અને એમનું વલણ ફરિયાદી રહેતું. પણ એક આશા હતી કે મોટા થશે એટલે બધું બદલાઈ જશે. મોટા થયા અને ખુબ મહેનત કરીને નાની રૂમમાંથી મોટા ઘરમાં રહેવા ગયા. પણ ત્યાં પણ એમને એમ ફરિયાદ હતી કે એમનું ઘર એમના ભાઈ કરતા નાનું છે. એટલે વધારે મહેનત કરીને વધારે મોટું ઘર લેવાની પાછળ પડી ગયા. ખુબ મહેનત કરી અને એમના ભાઈ કરતા વધારે મોટું મકાન રહેવા માટે લીધું. પણ પછી એમની ફરિયાદ એ હતી કે એ દરિયા કિનારે નહોતું, પછી એની પાછળ પડી ગયા. એમ કરતા કરતા એક દિવસ આવો આવ્યો કે તેઓ માંદગીમાં સપડાઈ ગયા અને મૃત્યુ પામ્યા.

જીવનમાં કેટલું પામ્યા પણ વલણ તો ફરિયાદી જ હતું. ઘણું મળ્યું પણ કશું માણ્યું નહિ.

આપણા બધાની પણ આજ તકલીફ છે, આજે જે છે એ પામવા ખુબ મહેનત કરીએ છીએ પણ નજર આપણી જે નથી એના પર છે, રણમાં મૃગજળની જેમ આપણી ઈચ્છાઓ આપણને જે નથી તે તરફ ખેંચી જાય છે. ત્યાં પહોચીને પાણી તો દુર જ લાગે છે અને થાકી જઈએ છે. જ્યાં આપણે છીએ અને જે આપણી પાસે છે એ તરફ જોવાનો અને માણવાનો અવસર આવતો જ નથી.

દરેક વાતમાં ફરિયાદ, ના મળ્યું એનું દુખ, મળ્યું હોય તો શું કરશું એની ચિંતા, ભવિષ્યમાં મળશે કે નહિ એની ફિકરમાં જીવન વીતી જાય છે. સૌથી ઉત્તમ તો છે કે આપણે ભૂતકાળની ભૂલોને ભૂલીને, ભવિષ્યના ભમ્રણમાં ફસાયા વિના આજની પળમાં જીવીએ. બાળકોને જોઇને આપણને ખુબ આનંદ આવે છે, કારણ કે તેઓ આજમાં જીવે છે, ના તેમને ભૂતની કોઈ ખબર છે, ના ભવિષ્યમાં શું કરશું એની ચિંતા છે. એક પળ પણ તેઓ બેસી રહેતા નથી, એક વસ્તુ લે તો બસ એને પૂરી ના કરી લે ત્યાં સુધી આરામ કરતા નથી. બાળકોની નિર્દોષતા અને સરળતા આપણને મોહી જાય છે.

વિશ્વમાં કશું કાયમ માટે નથી અને જીવનમાં હમેશા એવું કઈક તો હોય જ છે જે આપણી પાસે નથી હોતું. એક કાર્યક્રમમાં બહુ સરસ વાત સાંભળવામાં આવી. જીવનમા ૧૦૦% માંથી આપણી પાસે ૯૦% ટકા વસ્તુ હોય છે અને ૧૦% પામવાનું બાકી હોય તો એ બાકીના ૧૦% પર આપણી નજર હોય છે અને એ ન હોવાની ફરિયાદ હોય છે. જે ૯૦% છે એની આપણને કદર હોતી નથી. અને હમેશા એ ૧૦% બાકી રહી જવાના છે. જયારે એ ૧૦% મળશે ત્યારે બીજું કઈ ૧૦% રહી જશે. આજ જીવનનો નિયમ છે.

એક વાર એક માણસ મૃત્યુશૈયા પર હતો, એને પૂછવામાં આવ્યું કે તમારી કોઈ અધુરી ઈચ્છા છે? એને જવાબ આપ્યો કે હું મારા સંતાનો માટે ૫૦૦૦ કરોડ ની સંપત્તિ મુકીને જાઉં છું, મારી ઈચ્છા એ હતી કે હું ૧૦૦૦૦ કરોડ મૂકીને જાઉં. મૃત્યુશૈયા પર પણ જો વ્યક્તિ ફરિયાદ મૂકી ના શકે તો ક્યારે મુકશે? જતા જતા પણ એ ફરિયાદ હતી કે હું મારું ધાર્યું ના કરી શક્યો. અને તૃષ્ણા તો કોઈ કાળમાં પૂરી થાય એવું બનવાનું જ નથી.

સંતોષ એ તૃષ્ણા જીતવાનો સૌથી સરળ માર્ગ છે, જે છે એમાં સંતોષ અને આજની દરેક પળમાં આનંદ એ જ સુખી જીવનની ચાવી છે.

ગુરુવાર, 19 મે, 2016

વિચાર પર વિચાર

વિચાર જીવનનું બહુ અગત્યનું અંગ છે, હ્રદયના ધબકારાની જેમ વિચારો પણ આપણા જીવનની દરેક ક્ષણમાં આપણી સાથે હોય છે. ક્યારેક ખુશ, ક્યારેક દુખી, ક્યારેક સારા, ક્યારેક ખરાબ, ક્યારેક સકારત્મક ક્યારેક નકારત્મક, પણ વિચારો હમેશા સાથેને સાથે જ હોય છે. જીવન જીવવા માટે જેટલી ધબકારાની જરૂર છે, એટલી જ જરૂર જીવન સુંદર બનાવવા માટે વિચારોની છે. આપણા વિચારોથી જ આપણું જીવન સર્જાય છે.  

પણ આપણને ક્યારેક જ આ વિચારો પર વિચાર કરવાનો સમય કે તાલીમ મળી છે. ક્યારે એ શીખવવામાં આવ્યું જ નથી કે વિચારોની કેળવણી કેવી રીતે લેવી? બધી શાળામાં કેવી રીતે લખવું, વાંચવું, ભણવું વગેરે શીખવવામાં આવે છે, જયારે કેવી રીતે વિચાર કરવા, કેવા પ્રકારના વિચાર કરવા એ ક્યારે શીખવવામાં આવ્યુ જ નથી. અને એજ આપણી તકલીફ છે. જો એ શીખવવામાં આવ્યું હોત તો આજે લોકો જરા તકલીફમાં જીવ આપવા તત્પર ના હોત, જયારે જીવન પાછળ પછાડે ત્યારે ઉભા થવા લોકોની જરૂર પડી ના હોત, દુખ ના ડુંગર તૂટી પડે ત્યારે ઊંડી ગર્તામાં સરી ના પડ્યા હોત.

આજના હરીફાઈ ભર્યા જીવનમાં, શાંત અને ખુશ રહેવા માટે વિચારોનું બળ ખુબ જ જરૂરી છે. સારા અને સકારત્મક વિચારો જીવનના ગમે તે પ્રસંગમાં આપણી સાથે રહી બળ આપતા રહે છે. જરૂરી નથી કે જીવનમાં આપણે જે ચાહિયે એ અને આપણને જયારે જોઈએ ત્યારે મળે અને જ્યાં સુધી એ ના મળે ત્યાં સુધી કેવી રીતે જીવવું એ વિચાર થઇ પડે છે.

વિચારો બે પ્રકારના હોય છે, સકારત્મક અને નકારાત્મક. સકારત્મક એટલે સારા વિચારો અને નકારત્મક એટલે ખરાબ વિચારો. મોટાભાગનો વખત આપણે ખરાબ વિચારોમાં વિતાવીએ છે. કોઈની ઈર્ષ્યા કે કોઈનું ખરાબ વિચારવામાં જાય છે, કોઈ આગળ વધતું હોઈ તો એ કઈ વાતમાં હોશિયાર નથી એ સાબિત કરવામાં જાય છે, બધાથી આગળ કેમ વધવું, બધાથી સારા કેમ દેખાવું, એમાં જાય છે. ગુસ્સો, ક્રોધ અને ઈર્ષ્યામાં જો આપણું જીવન ચાલતું હોઈ અને આપણે એમ વિચારીએ કે પોતાની સાથે સારું થાઓ તો એ કેવી રીતે શક્ય છે?

કલ્પના કરો કે આપનું મન એક ખેતર છે, ખેતરમાં સારો પાક થાય તે માટે સારામાં સારા બીજ, ખાતર નાખવામાં આવે છે, વખતે વખતે પાણી અને સૂર્યનો તડકો આવે એની વ્યવસ્થા કરવામાં આવે છે, અને એનાથી જલ્દી અને સારો પાક થાય છે. એમ જ મનને પણ આપણે સારા વિચારો, સારી કેળવણી, વખતે વખતે તપાસણી એ બધું આપીએ તો જીવનમાં સારો પાક ઉપજે છે. ખેતરમાં પક્ષીઓ અનાજ ખાઈ ન જાય, પશુઓ ઘુસી ન જાય એની પણ કાળજી લેવામાં આવે છે એમજ મનમાં ખરાબ વિચારો ઘુસી ન જાય, એના માટે વાડ બનાવવી પડે છે.

અત્યાર સુધી જો તમને જીવનમાં જે જોઈએ એ નથી મળ્યું તો તમારે અત્યાર સુધી જે વિચારો કર્યા છે એ બદલવા પડશે, તો જીવનમાં જે હજી સુધી નથી મળ્યું એ મળશે. કોઈએ કીધું છે કે, ‘જો અત્યાર સુધી જેમ  જીવન જીવ્યા એમ જ જીવશો તો અત્યાર સુધી જે મળ્યું છે એ જ મળશે, જીવનમાં જો જે નથી મળ્યું એ પામવું હોય તો જીવનની શૈલી બદલવી પડશે’. આપણી તકલીફ એ છે કે આપણે આપણને બદલવા સિવાય બધુ બદલવા ઈચ્છતા હોઈએ છે, આપણે એમ વિચારીએ છીએ કે ઘરના લોકો બદલાઈ જાય, પરિસ્થિતિ બદલાય, નસીબ બદલાય, પણ એ કશું આપણા હાથમાં નથી, અને જે આપણા હાથમાં નથી એની રાહ જોઇની બેસી રહેવું હોય તો ઠીક નહિ તો પોતાને બદલીને પોતાની જિંદગી જરૂર બદલી શકાય છે.

જીવનમાં જેટલા સારા, સદ વિચારો હશે એટલું જીવન શાંત અને સુખી રહેશે.   

રવિવાર, 15 મે, 2016

તમારા વિચારો તમારા જીવનની ચાવી!!


એમ કહેવાય છે કે માણસ એક દિવસમાં ૬૦૦૦૦ કરતા વધુ વિચારો કરે છે અને એની જીંદગી એ ૬૦૦૦૦ વિચારો પર નિર્ભર છે. હા, બરાબર સાંભળ્યું તમે, તમારી જીંદગી નિર્ભર તમાર વિચારો પર છે, ના કે જન્માક્ષરમાં કે ના ભવિષ્યમાં, ના તમારા હાથની હથેળીમાં કે ના તમારા કપાળમાં. તમારું જીવન સુખી કે દુખી, ખુશ કે નાખુશ, ગરીબ કે અમીર, ઊંચું કે નીચું તમારા વિચારોમાં છે.

આ બહુ મોટી વાત મને મારા જીવનમાં સમજાઈ છે, હું હમેશા એમ વિચારતી હતી કે નસીબ જ બધું છે અને નસીબમાં હોય તો મળે પણ એવા ગણા કિસ્સા મારા અને બીજાના જીવનમાં મેં જોયા છે એના પરથી હું એ મુદ્દા પર આવી છું કે આપણુ જીવન આપણા વિચારોથી જ હોય છે.

આ સમજવા માટે તમે હમણાં જ એક પ્રયત્ન કરો. અત્યારના તમારા જીવનમાં જે ચાલી રહ્યું છે એની નોંધ એક કાગળ પર લખો, સારું કે ખરાબ. એ લખ્યા પછી એમ વિચારો કે આ જે ચાલી રહ્યું છે, એ થવાની પાછળ તમારા કેવા વિચારો હતા? દાખલા તરીકે તમારા જીવનમાં હમણાં આર્થિક મંદી ચાલતી હોય તો શું તમે થોડા કેટલા વખતથી એ ભયમાં રહેતા હતા કે તમારી પાસે પૈસા નહિ હોય કે જે મળ્યું છે એ ચાલ્યું જશે તો? ઊંડાણથી તપાસ કરતા તમને એ જરૂર સમજાશે કે તમે જે વિચારતા હતા એ સાચું પડ્યું અને સાચે જીવનમાં મંદી આવી ગઈ.

જેમ કોઈ બાળકને એમ જ કહેવામાં આવે કે તુ જીવનમાં કાઈ નહિ બની શકે અને તુ ઠોઠ છે તો એ સાચેજ ઠોઠ રહેશે, કારણ એ બાળકના એ વાત મનમાં રાખીને એ જ વિચારો કરતો હોય છે.

જો તમેં દિવસના ૬૦૦૦૦ વિચારોમાંથી ૬૦% કરતા વધારે ખરાબ વિચારો કરતા હો તો તમારા એ વિચારની અસર તમારા જીવન પર જરૂર દેખાશે. જો કોઈ વ્યક્તિ નવો ધંધો શરુ કરતો હોઈ અને એ કાર્ય માં એ હમેશા નિષ્ફળ જવાના જ વિચાર કરતો હશે તો એ ક્યારેય એ કાર્યમાં સફળ નહિ થઇ શકે. એનો અર્થ એમ પણ નથી કે નવા ધંધામાં નિષ્ફળ કેવી રીતે જવાશે એની કાળજી પણ ના લો. બંને એકાંતિક વિચારો છે. પણ જો એ વ્યક્તિ સફળતાના વિચારો નિષ્ફળતા કરતા વધારે કરશે અને નિષ્ફળતાના રસ્તા ધીમે ધીમે બંધ કરશે તો એ જરૂરથી સફળતાને પામશે.

ગણા આવિષ્કારો આ દુનિયામાં આવ્યા જ નથી કારણ લોકોએ નિષ્ફળ પામીશ એ વિચારથી આગળ વધવાનો પ્રયત્ન જ કર્યો નથી. નકારત્મક વિચારો માણસને આગળ વધતા અટકાવે છે.

એક ખાબોચિયામાં ૫-૬ દેડકા રહેતા હતા, પાણી ઓછુ થવાના કારણે દેડકાઓ ઉપ્પર જમીન પર કુદી  નહોતા શકતા, દેડકાઓએ ગણી મહેનત કરી, ગણા કુદકા માર્યા પણ ઉપર ચઢી જ ના શક્યાં, થાકીને બધા  દેડકાઓ નીચે બેસી ગયા. પણ હજુ એક દેડકાની મહેનત ચાલુ હતી, બાકીના બધા દેડકા એને કહેતા કે રેહવા દે ઉપર નહિ ચઢી શકાય, પણ એ માંને એવો નહોતો. થોડી મહેનત અને ધીરજથી એ દેડકો ઉપ્પર જમીન પર ચઢી ગયો. બાકીના દેડકાઓને ખુબ આશ્ચય થયું અને એ લોકોએ પણ એને જોઇને મહેનત કરી અને ચઢી ગયા. થોડી વાર પછી બાકીના દેડકાઓએ પહેલા ચઢેલા દેડકાને પૂછ્યું કે તુ આ કેવી રીતે કરી શક્યો? તો પેલા દેડકાએ કોઈ જવાબ ના આપ્યો. તમને ખબર છે કેમ? કારણ એ દેડકો બહેરો હતો, એને બીજા દેડકાની ‘તુ ઉપ્પર નહી ચઢી શકે’ એ વાત સંભળાઈ જ નહોતી. એના મનમાં તો એ જ વિચારો હતા કે એ આ કામ કરી શકે છે.

આપણા જીવનમાં પણ આવું જ છે, કા તો આપણે બીજાની વાતો સાંભળી, આપણે આ કામ નહિ કરી શકીએ આવું નકારત્મક વિચારવા લાગીએ છીએ, અને કા તો આપણે પહેલેથી જ એમ વિચારીએ છીએ કે આપણે કોઈ કામ નહિ કરી શકીએ, અને એ જ સાચું પડે છે. હેન્રી ફોર્ડ (જેણે ફોર્ડ કંપની સ્થાપના કરી) કહે છે, કે તમે જો એમ માનો કે કોઈ કામ તમે કરી શકશો, તો તમે એ જરૂર કરી શક્શો અને જો તમે એમ માનો કે તમે આ કામ નહિ કરી શકો તો એ પણ તમે જરૂર કરી શકશો. કામયાબ અને નાકામયાબ વ્યક્તિમાં માત્ર વિચારોનો જ તફાવત હોઈ છે.

તો પછી આ જીવનને બદલવું કેવી રીતે? બહુ જ સરળ છે તમારા વિચારોને બદલીને!! તમારા જીવનની દોર તમારા હાથમાં જ છે. સૌ પ્રથમ તો એ માન્યતાને બદલવાની જરૂર છે કે તમે જ તમારા જીવનના કરતા છો અને તમે જે ચાહો એ જરૂર કરી શકો છો. ચાવી છે તમારા વિચારો!!

વિચારો કેવી રીતે બદલવા અને કઈ રીતે જીવનમાં જે જોઈએ એ કેવી રીતે પ્રાપ્ત કરવું એ વિષે આના પછીના બ્લોગ માં. પણ ત્યાં લગી જરૂર આ વિષે વિચારો અને તમારા અભિપ્રાય આપો.

શનિવાર, 7 મે, 2016

ભૂલ નો સરવાળો અને બાદબાકી

દરેક માનવી ભૂલો કરે છે અને એમ પણ કહેવાય છે એ જે માનવી ભૂલો નથી કરતુ એ જીવનમાં આગળ નથી વધતુ, ભૂલ તો એ આગળ વધ્યા છે એની નિશાની છે. પણ ઘણા ભૂલ કર્યાના પશ્ચાતાપમાં બેસી રહે છે કે પછી ભૂલ કરીને મેં ભૂલ કરી જ નથી એવા ઘમંડમાં પણ બેસી રહે છે. ભૂલ કરીને, એમાંથી શીખીને, ફરી એવી ભૂલ ના કરીએ એવા નિશ્ચય કરનારને જીવનનું ખરું ગણિત સમજાય છે.
આજે કેટલા માનવીઓ પોતાની ભૂલને સ્વીકારતા નથી, પહેલા તો એમને ભૂલ કરી રહ્યા છે એવી ખબર જ નથી, મહા મહેનતે જો ખબર પડે કે મેં ભૂલ કરી છે તો એનો સ્વીકાર થતો નથી. સ્વીકાર થાય તો એને દુખરૂપ માનતા નથી અને તેથી તેઓ ફરી એ ની એ ભૂલ પાછી કરે છે. નસીબદાર તો એ છે જેને પોતાની ભૂલ દેખાય છે, દેખીને, સ્વીકારીને એ ભૂલ ફરી ન કરવાનો નિર્ણય કરે છે, અને જીવનને એવી રીતે બદલે છે કે જો એ ભૂલ ફરી કરવાનો મોકો મળે તો પણ એ એ તરફ પાછુ ફરીને જોતા નથી.
આ વાત ને એક ઉદાહરણથી જોઈએ.
એક માણસ સિગારેટ પીવાનો બહુ શોખીન છે, રોજ ની ૪-૫ સિગારેટ તો પીજ લે છે. હવે જીવન માં એવો બનાવ બને છે કે એને ખબર પડે છે કે સિગરેટ પીવી એ હાનીકારક છે અને મારે એ છોડવી જોઈએ, અત્યાર સુધી મેં બહુ મોટી ભૂલ કરી છે પણ હવે મારે આ ભૂલ નથી કરવી એવો એને અહેસાસ થાય છે. એ સિગારેટ પીવાના બધા રસ્તા ધીમે ધીમે બંધ કરે છે, ક્યારેક આવું પણ બને છે કે બહુ ઈચ્છા થાય ત્યારે એકાદ પીવાય પણ જાય છે પણ અને બરાબર ખબર છે કે આમ કરવું યોગ્ય નથી અને એ અડધી જ પીને મૂકી દે છે કે ફેકી દે છે. હવે ધીરે ધીરે એના રોજના કાર્યક્રમમાં પણ ફરક પડે છે, અત્યાર સુધી જે દોસ્તારો સાથે રોજ રાતના સિગરેટ પીવા જતો હતો હવે એ દોસ્તારોને પણ છોડવા તૈયાર થઇ જાય છે. જીવનમાં એનો સિગરેટ ના પીવાનો નિર્ણય મહત્વનો બની જાય છે અને આખુ જીવન આ બદલાવથી બદલાય જાય છે.
ધીરે ધીરે તો એને સિગરેટ ના ધુમાડા પણ સહન થતા નથી.
જેમ જેમ ભૂલો નો સરવાળો થાય છે એમ એમ એ ભૂલોથી દુર જવાનો રસ્તો વધુ નજદીક આવતો જાય છે. આપણને આપણી ભૂલો ખબર જ હોય છે પણ જ્યાં સુધી કોઈ મોટી તકલીફ ના આવે ત્યાં સુધી આપણને એ ભૂલો સુધારવાનું મન પણ નથી થતું. આવું જ ગુસ્સે થવા માટે, જુઠું બોલવા માટે, કપટ કરવા માટે , લાંચ આપવા માટે છે. જીવનમાં જ્યાં સુધી કઈ દાવ પર લાગવાનું ના આવે ત્યાં સુધી આ આદતો બદલાતી નથી અને આપણે બરાબર કરી રહ્યા છીએ એવા ભ્રમમાં રાખે છે.
આ ભૂલો ની સમજ પડતા, અને જીવનમાંથી એની બાદબાકી કરતા જીવનમાં શાંતિ અને સુખ ની વૃદ્ધિ થાય છે.  આ બોલવું જેટલું સહેલું છે કરવું એટલું જ અઘરું છે. એ કરવા પાછળ બહુ મોટો ધ્યેય હોવો જરૂરી છે. ધ્યેય વિના થોડા જ દિવસમાં આપણે પાછા એ વૃત્તિમાં ઘસડાઈ જઈએ છીએ. જો જીવનનો ધ્યેય શાંત અને સુખી રહેવાનો હોય તો જીવનને અશાંત અને દુખી કરતી આદતોને બદલવાની તૈયારી પણ હોવી જોઈએ. આટલા વખત સુધી જેમ જીવ્યા એમ જ જીવશું અને એને બદલાશું નહિ તો અશાંત અને દુખી જ રહેશું.
 
વધુ આવતા બ્લોગ માં.
 

બુધવાર, 4 મે, 2016

માર્ગ હમેશા હોય જ છે


માર્ગ હમેશા હોય જ છે

-જરૂર ગોતવાની છે.

આજકાલ ના બ્લોગ ની ટ્રેન્ડ જોઇને મને લાગતું કે હું તો ક્યારે બ્લોગ રચી નહિ શકું, કારણ મારી એવી માન્યતા છે કે મારું અંગ્રેજી એટલું સારું નથી અને ગુજરાતી મીડીયમ માં ભણી હોવાના કારણે વ્ય્કારણ અને લખવાની ઢબ મને નહિ ફાવે. એકાદ વાર કોશિશ કરી અને પોસ્ટ પણ કર્યું પણ મને હમેશા એ ડર લાગતો કે કોઈ જો અંગ્રેજી નો જાણકાર વાંચે તો અને જરૂર ખબર પડે કે આ જરૂર કોઈ ગુજ્જુ બેને લખ્યું છે.

મારી આ કોશીશ ચાલુ હતી અને અચાનક મારા સહચારી એ મને કહ્યું કે એવું જરૂરી નથી કે તમારે અંગ્રેજી માં જ બ્લોગ લખો, તમે તમારી ભાષા માં પણ બ્લોગ રચી શકો છો અને જાણે ‘જોઈતું તું ને વૈદે કીધું’ આવી હાલત થઈ. મારું માનવું તો એમ પણ  છે કે હું સાચા મનથી આ ચાહતી હતી એટલે મને માર્ગ મળી ગયો. હું તો ખુશ થઈ ગઈ અને લાગ્યું કે મારા વિચારો અને લાગણીઓ હવે હું શબ્દો માં ઢાળવી શકીશ.

પણ એટલા થી કઈ બધું જ નહોતું મળ્યું, હજી ખરી પરીક્ષા તો હવે હતી.

બ્લોગ્ગર.કોમ પર જઈને મેં જોયું તો એ હકીકત માં ગુજરાતી માં બ્લોગ કરવાની સુવિધા હતી અને મારે હવે  એ જોવાનું હતું કે હું ગુજરાતી માં type કેવી રીતે કરશ. મને યાદ છે મારી રાજા નો અડધો દિવસ તો એ કેવી રીતે કરવાનું એ જોવામાં જ જતો રહયો અને છેલ્લે પરીક્ષા માં નાપાસ થઈ ને હતાશ બનીને અને  આશા છોડેલા બાળક ની જેમ બેસી ગઈ. તે છતાય કમ્પ્યુટરમા લોગ ઓઉટ કરતા પેહલા એ પ્રશ્ન બ્લોગેર હેલ્પ પર મુક્યો અને એક ભલા માણસે મને MICROSOFT ની INDIK ભાષા માં થી ગુજરાતી DOWNLOAD કરવાની સલાહ આપી. પણ આદત વશ મેં એ કામ કોઈ કારણસર ટાળ્યું.

૨-૩ દિવસ પછી પાછુ મને થયું કે હું લખું એટલે મેં Indic language download કરી. હવે બન્યું એવું કે મેં આ મારા ઓફીસ ના કમ્પ્યુટર પર DOWNLOAD કર્યું. ભુલથી મેં ગુજરાતી ને default ભાષા કરી નાખી હતી અને મને એ ભૂલની ખબર પણ ના પડી. હવે જે થયુ એ તો મારા આશ્ચર્ય ની સીમાપાર નું હતું.

પહેલા તો હું ખુબ ખુશ થઇ કે ચાલો આટલી મહેનત પછી હવે હું મારો પહેલો બ્લોગ લખી શકીશ. પણ હજી થોડી વધારે મહેનત કરવાની બાકી હતી. મને એ જાણકારી તો હતી કે જેવી રીતે આપણે બોલીએ અને જો આવી રીતે આપણે અંગ્રેજી KEYBORD પર TYPE કરીએ તો તારત જ ગુજરાતી માં TYPE થય શકે પણ મને એ સમજ માં ના આવ્યું કે એ કેવી રીતે કરું. એમાં એક બીજી રીતે પણ type કરવાની સુવિધા હતી જેમાં કઈ ચાવી માં કયા શબ્દો છે એ યાદ રાખવું પડે એમ હતું એટલે મને એમ લાગ્યું કે એ કરવામાં તો મને ગણા દિવસો વીતી જશે અને એક લાઈન લખવામાં મને ૧૫ થી ૨૦ મિનિટ લાગી. મને તો ખુબ કંટાળો આવ્યો અને પાછુ બ્લોગ લખવાનું ટાળ્યું.

પણ મન ની ઈચ્છા પ્રબળ હોય છે એને જે કરવું હોય છે એ તેનો રસ્તો ગોતી લે છે.

મારી ગઈકાલ ની હાર પછી પણ મને આવું થતું કે બીજો કોઈ રસ્તો જરૂર હશે જેનાથી હું જલ્દી લખી શકું, એટલે ફરી હું એ કામ કરવાની પાછળ પડી. પણ મારા કમ્પ્યુટર માં કોઈ પ્રોબ્લેમ હોઈ આવું મને લાગ્યું. હું વારંવાર લોગીન કરી રહી હતી પણ લોગીન જ ના થતું. ઓફિસ ના કમ્પ્યુટર માં કોઈ પ્રોબ્લેમ આવે ત્યારે એક સુવિધા કેન્દ્ર છે (પોલેન્ડમાં) ત્યાં ફોન કરવાનું રેહતું. અમે બંને ફોન પર ગણા મથ્યા કે કેમ હું કમ્પ્યુટર ખોલી નથી શકતી પણ જયારે એ મારા વતી લોગીન કરે તો તરત કમ્પ્યુટર ખુલતું હતું.

મારી સાથે ફોન પર વાત કરી રહી યુવતી હજી પણ કમ્પ્યુટર કરતા વધારે સ્માર્ટ હતી, એને મને સુચન કર્યું કે તમે તમારો પાસવર્ડ નોટપેડ પર લખો અને મેં મારો પાસવર્ડ નોટપેડ પર લખ્યો અને હું શું જોવું છુ? કે મારો પાસવર્ડ ગુજરાતી માં type થાય છે, હું અને પેલી યુવતી બંને જણાનો દિવસ ખુશીથી શરુ થયો, એનો કેમકે એ મારી મુર્ખામી પકડી શકી અને હું કેમકે મને મારી મુર્ખામી દેખાઈ નહિ. યાદ છે મેં આગળ લખ્યું હતું કે ભૂલ થી ગુજરાતી ભાષા default કરી નાખી હતી અને એ ભૂલ ની મને સમજ નહોતી પડી. મારો પોલેન્ડ નો ફોને લગભગ ૩૦ મિનિટ ચાલ્યો અને કંપની ને એટલું નુકશાન થાય ગયું.

હજી મારો જલ્દીથી type કરવાનો ઈરાદો ઓછો નહોતો થયો, કોશિશ ચાલુ હતી અને અચાનક મારી નજર એક બટન પર ગઈ અને મેં એ બટન દબાવ્યું અને મેં જેવું એ બટન દબાવ્યું કે તરત જ હું જેમ બોલું અને type કરું એમ ગુજરાતી માં type થવા લાગ્યું અને મારી ખુશી નો ફરીથી પાર ના રહ્યો.

રસ્તો તો હોય જ છે બસ ગોતવાની જરૂર હોય છે, મન માં સાચી ઈચ્છા અને ધગશ હોય તો કોઈ પણ કામ પૂરું કરી શકાય છે. જરૂર એ પણ છે કે હતાશ થઇ ને કામ છોડી ના દઈએ. ભલે સમય લાગે પણ સાચી ઈચ્છા જરૂર પ્રુરી થાય છે.

હવે તમે એમ ફિકર નહિ કરતા કે આ વાર્તા માં હજી કોઈ વળાંક આવશે, ના, બસ વાર્તા હવે અહી પૂરી થઇ પણ હવે નવો વળાંક માર જીવન માં અવાનો છે આવો મને ખ્યાલ આવી રહ્યો છે.

હવે હું મારા વિચારો, પ્રતીતિ, દુનિયા સમક્ષ રજુ કરવા જઈ રહી છું અને મને અનો ખુબ જ આનંદ છે. આશા કરું છું કે તમને પણ વાંચીને એટલો જ આનંદ થશે.

તો મારા બ્લોગ ને જરૂર થી ફોલો કરો.

આવતો બ્લોગ થોડા વખત માં....