જીવનમાં જે જોઈએ એ મળી પણ જાય પણ જો જીવન
પ્રત્યે ફરિયાદી વલણ હોય તો જે મળે એમાં પણ વ્યક્તિ ખુશ રહી શકતો નથી.
મગાભાઇ બાળપણમાં ખુબ સાદાઈથી રહ્યા હતા,
ખાવા પીવાના પૈસા રહેતા પણ કોઈ શોખ પુરા કરી શકતા નહોતા, એટલે એમણે નક્કી કર્યું
કે મોટા થઇને એ ખુબ પૈસા કમાશે અને પોતાના શોખ પુરા કરશે. અત્યારની પરિસ્થિતિથી તેઓ
નારાજ રહેતા અને એમનું વલણ ફરિયાદી રહેતું. પણ એક આશા હતી કે મોટા થશે એટલે બધું
બદલાઈ જશે. મોટા થયા અને ખુબ મહેનત કરીને નાની રૂમમાંથી મોટા ઘરમાં રહેવા ગયા. પણ
ત્યાં પણ એમને એમ ફરિયાદ હતી કે એમનું ઘર એમના ભાઈ કરતા નાનું છે. એટલે વધારે મહેનત
કરીને વધારે મોટું ઘર લેવાની પાછળ પડી ગયા. ખુબ મહેનત કરી અને એમના ભાઈ કરતા વધારે
મોટું મકાન રહેવા માટે લીધું. પણ પછી એમની ફરિયાદ એ હતી કે એ દરિયા કિનારે નહોતું,
પછી એની પાછળ પડી ગયા. એમ કરતા કરતા એક દિવસ આવો આવ્યો કે તેઓ માંદગીમાં સપડાઈ ગયા
અને મૃત્યુ પામ્યા.
જીવનમાં કેટલું પામ્યા પણ વલણ તો ફરિયાદી
જ હતું. ઘણું મળ્યું પણ કશું માણ્યું નહિ.
આપણા બધાની પણ આજ તકલીફ છે, આજે જે છે એ
પામવા ખુબ મહેનત કરીએ છીએ પણ નજર આપણી જે નથી એના પર છે, રણમાં મૃગજળની જેમ
આપણી ઈચ્છાઓ આપણને જે નથી તે તરફ ખેંચી જાય છે. ત્યાં પહોચીને પાણી તો દુર જ લાગે
છે અને થાકી જઈએ છે. જ્યાં આપણે છીએ અને જે આપણી પાસે છે એ તરફ જોવાનો અને માણવાનો
અવસર આવતો જ નથી.
દરેક વાતમાં ફરિયાદ, ના મળ્યું એનું દુખ,
મળ્યું હોય તો શું કરશું એની ચિંતા, ભવિષ્યમાં મળશે કે નહિ એની ફિકરમાં જીવન વીતી
જાય છે. સૌથી ઉત્તમ તો છે કે આપણે ભૂતકાળની ભૂલોને ભૂલીને, ભવિષ્યના ભમ્રણમાં
ફસાયા વિના આજની પળમાં જીવીએ. બાળકોને જોઇને આપણને ખુબ આનંદ આવે છે, કારણ કે તેઓ
આજમાં જીવે છે, ના તેમને ભૂતની કોઈ ખબર છે, ના ભવિષ્યમાં શું કરશું એની ચિંતા છે.
એક પળ પણ તેઓ બેસી રહેતા નથી, એક વસ્તુ લે તો બસ એને પૂરી ના કરી લે ત્યાં સુધી
આરામ કરતા નથી. બાળકોની નિર્દોષતા અને સરળતા આપણને મોહી જાય છે.
વિશ્વમાં કશું કાયમ માટે નથી અને જીવનમાં
હમેશા એવું કઈક તો હોય જ છે જે આપણી પાસે નથી હોતું. એક કાર્યક્રમમાં બહુ સરસ વાત
સાંભળવામાં આવી. જીવનમા ૧૦૦% માંથી આપણી પાસે ૯૦% ટકા વસ્તુ હોય છે અને ૧૦% પામવાનું બાકી હોય તો એ બાકીના ૧૦% પર
આપણી નજર હોય છે અને એ ન હોવાની ફરિયાદ હોય છે. જે ૯૦% છે એની આપણને કદર
હોતી નથી. અને હમેશા એ ૧૦% બાકી રહી જવાના છે. જયારે એ ૧૦% મળશે ત્યારે બીજું
કઈ ૧૦% રહી જશે. આજ જીવનનો નિયમ છે.
એક વાર એક માણસ મૃત્યુશૈયા પર હતો, એને
પૂછવામાં આવ્યું કે તમારી કોઈ અધુરી ઈચ્છા છે? એને જવાબ આપ્યો કે હું મારા સંતાનો માટે
૫૦૦૦ કરોડ ની સંપત્તિ મુકીને જાઉં છું, મારી ઈચ્છા એ હતી કે હું ૧૦૦૦૦ કરોડ મૂકીને
જાઉં. મૃત્યુશૈયા પર પણ જો વ્યક્તિ ફરિયાદ મૂકી ના શકે તો ક્યારે મુકશે? જતા જતા
પણ એ ફરિયાદ હતી કે હું મારું ધાર્યું ના કરી શક્યો. અને તૃષ્ણા તો કોઈ કાળમાં પૂરી
થાય એવું બનવાનું જ નથી.
સંતોષ એ તૃષ્ણા જીતવાનો સૌથી સરળ માર્ગ
છે, જે છે એમાં સંતોષ અને આજની દરેક પળમાં આનંદ એ જ સુખી જીવનની ચાવી છે.