વિચાર જીવનનું બહુ અગત્યનું અંગ છે, હ્રદયના
ધબકારાની જેમ વિચારો પણ આપણા જીવનની દરેક ક્ષણમાં આપણી સાથે હોય છે. ક્યારેક ખુશ,
ક્યારેક દુખી, ક્યારેક સારા, ક્યારેક ખરાબ, ક્યારેક સકારત્મક ક્યારેક નકારત્મક, પણ વિચારો હમેશા સાથેને સાથે જ હોય છે. જીવન
જીવવા માટે જેટલી ધબકારાની જરૂર છે, એટલી જ જરૂર જીવન સુંદર બનાવવા માટે વિચારોની
છે. આપણા વિચારોથી જ આપણું જીવન સર્જાય છે.
પણ આપણને ક્યારેક જ આ વિચારો પર વિચાર
કરવાનો સમય કે તાલીમ મળી છે. ક્યારે એ શીખવવામાં આવ્યું જ નથી કે વિચારોની કેળવણી
કેવી રીતે લેવી? બધી શાળામાં કેવી રીતે લખવું, વાંચવું, ભણવું વગેરે શીખવવામાં આવે
છે, જયારે કેવી રીતે વિચાર કરવા, કેવા પ્રકારના વિચાર કરવા એ ક્યારે શીખવવામાં આવ્યુ
જ નથી. અને એજ આપણી તકલીફ છે. જો એ શીખવવામાં આવ્યું હોત તો આજે લોકો જરા તકલીફમાં
જીવ આપવા તત્પર ના હોત, જયારે જીવન પાછળ પછાડે ત્યારે ઉભા થવા લોકોની જરૂર પડી ના
હોત, દુખ ના ડુંગર તૂટી પડે ત્યારે ઊંડી ગર્તામાં સરી ના પડ્યા હોત.
આજના હરીફાઈ ભર્યા જીવનમાં, શાંત અને ખુશ
રહેવા માટે વિચારોનું બળ ખુબ જ જરૂરી છે. સારા અને સકારત્મક વિચારો જીવનના ગમે તે
પ્રસંગમાં આપણી સાથે રહી બળ આપતા રહે છે. જરૂરી નથી કે જીવનમાં આપણે જે ચાહિયે એ અને
આપણને જયારે જોઈએ ત્યારે મળે અને જ્યાં સુધી એ ના મળે ત્યાં સુધી કેવી રીતે જીવવું
એ વિચાર થઇ પડે છે.
વિચારો બે પ્રકારના હોય છે, સકારત્મક અને નકારાત્મક.
સકારત્મક એટલે સારા વિચારો અને નકારત્મક એટલે ખરાબ વિચારો. મોટાભાગનો વખત આપણે ખરાબ
વિચારોમાં વિતાવીએ છે. કોઈની ઈર્ષ્યા કે કોઈનું ખરાબ વિચારવામાં જાય છે, કોઈ આગળ
વધતું હોઈ તો એ કઈ વાતમાં હોશિયાર નથી એ સાબિત કરવામાં જાય છે, બધાથી આગળ કેમ
વધવું, બધાથી સારા કેમ દેખાવું, એમાં જાય છે. ગુસ્સો, ક્રોધ અને ઈર્ષ્યામાં જો આપણું
જીવન ચાલતું હોઈ અને આપણે એમ વિચારીએ કે પોતાની સાથે સારું થાઓ તો એ કેવી રીતે
શક્ય છે?
કલ્પના કરો કે આપનું મન એક ખેતર છે, ખેતરમાં
સારો પાક થાય તે માટે સારામાં સારા બીજ, ખાતર નાખવામાં આવે છે, વખતે વખતે પાણી અને
સૂર્યનો તડકો આવે એની વ્યવસ્થા કરવામાં આવે છે, અને એનાથી જલ્દી અને સારો પાક થાય છે. એમ જ મનને
પણ આપણે સારા વિચારો, સારી કેળવણી, વખતે વખતે તપાસણી એ
બધું આપીએ તો જીવનમાં સારો પાક ઉપજે છે. ખેતરમાં પક્ષીઓ અનાજ ખાઈ ન જાય, પશુઓ ઘુસી ન
જાય એની પણ કાળજી લેવામાં આવે છે એમજ મનમાં ખરાબ વિચારો ઘુસી ન જાય, એના માટે વાડ
બનાવવી પડે છે.
અત્યાર સુધી જો તમને જીવનમાં જે જોઈએ એ
નથી મળ્યું તો તમારે અત્યાર સુધી જે વિચારો કર્યા છે એ બદલવા પડશે, તો જીવનમાં જે
હજી સુધી નથી મળ્યું એ મળશે. કોઈએ કીધું છે કે, ‘જો અત્યાર સુધી જેમ જીવન જીવ્યા એમ જ જીવશો તો અત્યાર સુધી જે
મળ્યું છે એ જ મળશે, જીવનમાં જો જે નથી મળ્યું એ પામવું હોય તો જીવનની શૈલી બદલવી
પડશે’. આપણી તકલીફ એ છે કે આપણે આપણને બદલવા સિવાય બધુ બદલવા ઈચ્છતા હોઈએ છે, આપણે
એમ વિચારીએ છીએ કે ઘરના લોકો બદલાઈ જાય, પરિસ્થિતિ બદલાય, નસીબ બદલાય, પણ એ કશું
આપણા હાથમાં નથી, અને જે આપણા હાથમાં નથી એની રાહ જોઇની બેસી રહેવું હોય તો ઠીક
નહિ તો પોતાને બદલીને પોતાની જિંદગી જરૂર બદલી શકાય છે.
જીવનમાં જેટલા સારા, સદ વિચારો હશે એટલું
જીવન શાંત અને સુખી રહેશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો