દરેક માનવી ભૂલો કરે છે અને એમ પણ કહેવાય છે એ જે
માનવી ભૂલો નથી કરતુ એ જીવનમાં આગળ નથી વધતુ, ભૂલ તો એ આગળ વધ્યા છે એની નિશાની છે. પણ ઘણા
ભૂલ કર્યાના પશ્ચાતાપમાં બેસી રહે છે કે પછી ભૂલ કરીને મેં ભૂલ કરી જ નથી એવા ઘમંડમાં
પણ બેસી રહે છે. ભૂલ કરીને, એમાંથી શીખીને, ફરી એવી ભૂલ ના કરીએ એવા નિશ્ચય કરનારને
જીવનનું ખરું ગણિત સમજાય છે.
આજે કેટલા માનવીઓ પોતાની ભૂલને સ્વીકારતા નથી,
પહેલા તો એમને ભૂલ કરી રહ્યા છે એવી ખબર જ નથી, મહા મહેનતે જો ખબર પડે કે મેં ભૂલ
કરી છે તો એનો સ્વીકાર થતો નથી. સ્વીકાર થાય તો એને દુખરૂપ માનતા નથી અને તેથી
તેઓ ફરી એ ની એ ભૂલ પાછી કરે છે. નસીબદાર તો એ છે જેને પોતાની ભૂલ દેખાય છે,
દેખીને, સ્વીકારીને એ ભૂલ ફરી ન કરવાનો નિર્ણય કરે છે, અને જીવનને એવી રીતે બદલે
છે કે જો એ ભૂલ ફરી કરવાનો મોકો મળે તો પણ એ એ તરફ પાછુ ફરીને જોતા નથી.
આ વાત ને એક ઉદાહરણથી જોઈએ.
એક માણસ સિગારેટ પીવાનો બહુ શોખીન છે, રોજ ની ૪-૫
સિગારેટ તો પીજ લે છે. હવે જીવન માં એવો બનાવ બને છે કે એને ખબર પડે છે કે સિગરેટ
પીવી એ હાનીકારક છે અને મારે એ છોડવી જોઈએ, અત્યાર સુધી મેં બહુ મોટી ભૂલ કરી છે
પણ હવે મારે આ ભૂલ નથી કરવી એવો એને અહેસાસ થાય છે. એ સિગારેટ પીવાના બધા રસ્તા
ધીમે ધીમે બંધ કરે છે, ક્યારેક આવું પણ બને છે કે બહુ ઈચ્છા થાય ત્યારે એકાદ પીવાય
પણ જાય છે પણ અને બરાબર ખબર છે કે આમ કરવું યોગ્ય નથી અને એ અડધી જ પીને મૂકી દે
છે કે ફેકી દે છે. હવે ધીરે ધીરે એના રોજના કાર્યક્રમમાં પણ ફરક પડે છે, અત્યાર
સુધી જે દોસ્તારો સાથે રોજ રાતના સિગરેટ પીવા જતો હતો હવે એ દોસ્તારોને પણ છોડવા તૈયાર
થઇ જાય છે. જીવનમાં એનો સિગરેટ ના પીવાનો નિર્ણય મહત્વનો બની જાય છે અને આખુ જીવન
આ બદલાવથી બદલાય જાય છે.
ધીરે ધીરે તો એને સિગરેટ ના ધુમાડા પણ સહન થતા
નથી.
જેમ જેમ ભૂલો નો સરવાળો થાય છે એમ એમ એ ભૂલોથી
દુર જવાનો રસ્તો વધુ નજદીક આવતો જાય છે. આપણને આપણી ભૂલો ખબર જ હોય છે પણ જ્યાં
સુધી કોઈ મોટી તકલીફ ના આવે ત્યાં સુધી આપણને એ ભૂલો સુધારવાનું મન પણ નથી થતું.
આવું જ ગુસ્સે થવા માટે, જુઠું બોલવા માટે, કપટ કરવા માટે , લાંચ આપવા માટે છે.
જીવનમાં જ્યાં સુધી કઈ દાવ પર લાગવાનું ના આવે ત્યાં સુધી આ આદતો બદલાતી નથી અને
આપણે બરાબર કરી રહ્યા છીએ એવા ભ્રમમાં રાખે છે.
આ ભૂલો ની સમજ પડતા, અને જીવનમાંથી એની બાદબાકી કરતા
જીવનમાં શાંતિ અને સુખ ની વૃદ્ધિ થાય છે. આ
બોલવું જેટલું સહેલું છે કરવું એટલું જ અઘરું છે. એ કરવા પાછળ બહુ મોટો ધ્યેય હોવો
જરૂરી છે. ધ્યેય વિના થોડા જ દિવસમાં આપણે પાછા એ વૃત્તિમાં ઘસડાઈ જઈએ છીએ. જો
જીવનનો ધ્યેય શાંત અને સુખી રહેવાનો હોય તો જીવનને અશાંત અને દુખી કરતી આદતોને બદલવાની
તૈયારી પણ હોવી જોઈએ. આટલા વખત સુધી જેમ જીવ્યા એમ જ જીવશું અને એને બદલાશું નહિ
તો અશાંત અને દુખી જ રહેશું.
વધુ આવતા બ્લોગ માં.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો