આજે ગણી વાર આપણે વિચારીએ છીએ કે નાના હતા
ત્યારે કેવી મજા આવતી, શાળાના દિવસો યાદ આવતા, રજા પડે ત્યારે મામાના ઘરે વિતાવેલો
સમય યાદ આવતો, રમત, મજા, ખાવા પીવાનું, ફરવાનું બધું જ યાદ આવતું. ફરી પાછા ક્યારે
એ દિવસો આવશે એવી જ આશા આપણે કરીએ છે. થોડા પાછળ જઈને યાદ કરીએ તો યાદ આવશે કે એ
સમયે આપણે શું વિચારતા હતા. ત્યારે આપણે મોટા ક્યારે થઈશું, પરીક્ષા અને ભણવાનું
ભાગ્યે જ કોઈને ગમતું, ત્યારે એમ થતું કે મોટા થઈશું એટલે કોઈ ભણવાનું કે પરીક્ષા
નહિ આવે કેવી મજા? કોને ખબર હતી કે જીવનની ગણી પરીક્ષાઓ મોટા થઈને આપવી પડશે.
મોટા થઈને આપણે આમ કરશું, મોટા થઈને તેમ
કરશું, એ જ વિચારો મનમાં ચાલતા. અને હવે, મોટા થઇ ગયા તો નાના હતા ત્યારે કેવી મજા
આવતી એના વિચારો કરીએ. આના પરથી તો બસ એટલું જ સમજમાં આવે છે કે જે ક્ષણ હમણાં હાથમાં છે, એમાં જીવીએ
કેમકે જે ક્ષણ જાય છે એ ફરી આવતી નથી, હમણા જો આપણને બાળપણ જીવવા મળે તો પણ આપણે એ
આનંદ ક્યારે પાછો નહિ મેળવી શકીએ, એ માસુમીયત ક્યાંથી લાવશું, એ ભોળપણ જે મોટા
થવાની રમતમાં છીનવાઈ ગયું એ ક્યાંથી લાવશું? એ વિચારતા બહુ જ અચરજ થાય છે કે આ ક્ષણ
કેટલી મહત્વની છે.
આ અત્યારની ક્ષણમાં જે છે એ ફરી એમનું એમ
ક્યારે નહિ આવે, આજે જો છોકરાઓ મોટા કરતા હશું તો આવી ક્ષણ ફરી નહિ આવે, આજે તમારી
પાસે દૂધ માંગે છે, કાલે એમની જાતે લઇ લેશે, આજે આપની ઉપર નિર્ભર છે, કાલે આપણે
એમના પર નિર્ભર થઇ જઈશું, કાલે એ મોટા થઈ જશે અને આપણે કહેશું કે છોકરાઓ નાના હતા
ત્યારે કેવી મજા આવતી હતી. જીવનની આજ રમત સમજવાની છે, શું ગઈકાલમાં જીવીને બાજી
હારવાની છે કે આજ માં જીવીને આજની ક્ષણને જીતવાની છે. આજે મેં વિચાર્યું કે મારી દરેક
ક્ષણ હું જીવીશ, મારા બધાજ સપના હું આજે પુરા કરીશ, કાલ પર નહિ રાખું, ક્યાંક એવું
ના બને કે મોટી ઉમરમાં હું આ ઉમર ના સપના જોતી થઇ જાઉં અને અફસોસ કરું કે મેં કઈ
કર્યું નહિ. અને મોટી ઉમર સુધી પહોચું એની ખાતરી પણ ક્યાં છે?
આજ ની ક્ષણના જે અનુભવો છે એ આજે જ માણી
લઉં, કાલે એ જ અનુભવ તો નહિ જ મળે.
સમય ભાગી રહ્યો છે એનો અહેસાસ તો આપણને
બધાને થાય છે, ગઈ કાલે જ તો ૨૦૧૬ નો છેલ્લો દિવસ ઉજવ્યો હતો અને આજે ૨૦૧૭ નો એક
મહિનો પણ પતિ ગયો, ગઈ કાલે જ તો લગ્ન કરીને આવી હતી, એ વાત ને આજે ૧૦ વર્ષ વીતી
ગયા, ગઈ કાલે જ તો ભણતર પૂરું કર્યું હતું એ વાત ને ૧૫ વર્ષ થઇ ગયા, ગઈ કાલે જ તો
શાળામાં બહેનપણીઓ સાથે હસી મજાક કરતી હતી એ વાત ને ૨૦ વર્ષ થઈ ગયા. ગઈ કાલે તો
નાના હતા અને આજે મોટા થઇ ગયા એ વાત ને ૩૩ વર્ષ વીતી ગયા. સમય ચાલે છે બહુ જ જલ્દી
ચાલે છે એવું લાગે છે કારણ કદાચ આપણે એક એક ક્ષણ ને ઓળખતા નથી, એક એક ક્ષણ જો
આનંદ, ઉલ્લાસથી વિતાવીયે તો કદાચ સમય ધીમો થાય, દિવસ લાંબો થાય અને મહિના ઓછા
જલ્દી જાય.
આ ભાગતી જિંદગીને પકડવી પડશે, આજમાં
જીવવું પડશે, આજને આનંદ બનાવો પડશે. દરેક ક્ષણ જુદી હશે. પછી આજની ક્ષણમાં અફસોસ
નહિ હોય અને ગઈકાલની ક્ષણ પાછી આવે એવી ઈચ્છા નહિ હોય.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો